મોરબીથી રાજકોટ જતા હાઇવે પર શનાળા પાસે સવારથી સાંજ સુધી સખત તડકામાં દરેક કારને હાથ ઊંચો કરીને એક તરુણ પોતાની પાસે રહેલી, બારીના કાચમાથી આવતાં સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપતી ‘ગ્લાસ કીટ’ લેવાની આજીજી કરે. ક્યારેક તો રસ્તા વચ્ચે ઉભો રહી પોતાના જીવના જોખમે વેપાર કરે..!!
ઘણાબધા દિવસો સુધી આ ઘટનાક્રમ જોયો. હમણાં જ મે કાર ખરીદી છે. ઉનાળાનું આગમન પણ થઇ ચૂક્યું છે. ડ્રાઇવિંગ સમયે બારીમાંથી આવતાં સૂર્યપ્રકાશથી બચવા જઇ ચડ્યો આ છોટુ પાસે
કાર તેની પાસે ઊભી રાખી તો કહે શેઠ થોડીક સાઈડમાં રાખજો નહિતર ટ્રાફિક થાય. ગાડી થોડી સાઈડમાં રાખીને વિન્ડો ગ્લાસ નીચે કર્યો.
એ છોકરા બાજુ જોઈને, “કેટલામાં આપી..?”
છોકરો નજીક આવતાં બોલ્યો, “શેઠ ગુજરાતી નહિ હિન્દી બોલો.
(હિન્દી સંવાદનો ગુજરાતી અનુવાદ)
“એકનાં કેટલા..?”
“ખાલી સો રૂપિયા જ શેઠ”
“વધારે ન કહેવાય..?”
“તમારે કેટલા લેવા છે..?”
“જો વ્યાજબી કહીશ તો ચાર જોઈએ.”
છોકરો વિચારીને કહે કે ચારનાં સાડા ત્રણસો આપી દેજો. વધું તડકો હોવાના કારણે હું આરામથી એસી ચાલું કરીને કારમાં બેઠો હતો જ્યારે ઓલો છોકરો બહાર પરસેવે રેબઝેબ. મે ગાડીનો દરવાજો ખોલીને કહ્યું કે આમાંથી ચાર અહિયાં રાખી દે બાકીની એની જગ્યાએ મૂકી આવ. છોકરો મૂકીને પાછો આવ્યો ત્યારે કારનો દરવાજો ખોલીને એને અંદર બેસવા માટે કહ્યું. અંદર બેસતાની સાથે જ આજુબાજુ કુતૂહલ પૂર્વક જોવા લાગ્યો. એસી ફુલ કર્યુ. છોકરાના ચહેરા પર સ્મિત હતું. નિર્દોષ હાસ્ય. તરત બોલી પડ્યો કે શેઠ ઠંડી લાગે છે હો. ગાડીમાં પહેલીવાર બેઠાનો બહુ આનંદ થાય છે. સીટમાં આરામથી બેસી પોતાના પગને વ્યવસ્થિત ગોઠવ્યાં. પછી કહે કે બહારના તડકા કરતા અહિયાં મજા આવે છે.
મે તેને પોતાનાં વિશે, તેનાં માતા-પિતા અને એનાં ભણતરની માહીતી આપવાનું કીધું. છોકરાએ બોલવાનું ચાલું કર્યું. અમે યુ.પી. નાં રહેવાસી છીએ. માતા-પિતા ત્યાં ખેતીવાડી કરે છે. હું અહિયાં મારા મામા સાથે રહું છું. સંતાનોમાં અમે બે ભાઇ અને બે બહેન. હું સહુથી મોટો. મારી ઉંમર ચૌદ વર્ષ. બધાં ભાઈ-બહેન ભણે છે પણ મને ભણવાના નામથી જ ખીજ ચડે એટલે કામ કરૂ છું. માંડ સાત ચોપડી ભણ્યો. ભાઈ-બહેનને ભણાવવા છે નહિતર મારી જેમ તડકામાં વસ્તું વહેંચવા ઊભું રહેવું પડશે. માતા-પિતાથી દૂર રહેવું ગમતું નથી પણ કામ તો કરવું જ પડશે.
ચહેરો થોડોક ઉદાસ થઇ ગયો. અચાનક મારો મોબાઇલ રણક્યો તો તેનું ધ્યાન ભંગ થયું. કોલ પૂરો થયાં પછી મને કહે કે મારે આવો મોબાઇલ લેવો છે કેટલાનો આવે..? મે કીધું પંદર હજાર. તો કહે ના હો તો મારે નથી લેવો. માંડમાંડ દસ-બાર હજાર કમાઈ લવ છું જે ઘરે મોકલવી દવ.
પછી જયાં સુધી તે ઠંડો ન થયો ત્યાં સુધી ગાડીમાં બેસાડી રાખ્યો. ગાડીમાં પડેલા ચશ્માં પહેરાવી તેની સાથે સેલ્ફી ખેંચી. મજાક મસ્તી કરી. હાસ્યની છોળો બોલાવી દીધી. થોડીક વખત એનાં ચહેરા પર હાસ્ય લાવવા માટેનું નિમિત્ત બન્યો એ જ મારા માટે આશિર્વાદ. કોઇના ચહેરા પર સ્મિતનું કારણ બનીએ તો દિલમાં સંતોષ થાય. અંતે પૂરાં ચારસો રૂપિયા આપીને કહ્યું કે પચાસ રૂપિયા મારા તરફની આજના નાસ્તાના. જતાં પહેલા તેને મારાં નંબર પણ માંગ્યા કે સાહેબ કાંઇ કામ હશે તો તમને ફોન કરીશ. આ બધી મોજ-મસ્તીમાં તેનું નામ પૂછતાં ભૂલી ગયો એટલે નથી લખ્યું અને હવે હું છું… તેનાં ફોનની રાહમાં…
✍ મનિષ ફેફર “મેધાવી”
આવા સરસ વિચાર ધરાવતા લોકોને છેલ છબીલો ગુજરાતી ની પૂરી ટીમ તરફથી સલામ કરીએ છીએ
મિત્રો આ આ સત્યઘટના કેવી લાગી તે મહેરબાની કરી એમને કોમેન્ટમાં જણાવજો…
અને આપની પાસે પણ કોઈ હદયસ્પર્શી Story છે જે બધા લોકો સુધી પહોંચાડવા માંગો છો
તો અમને મેસેજ કરો અમે પહોંચાડીશું આપની Story બધા લોકો સુધી આ પેજ પર પોસ્ટ કરીશું
અને આ આર્ટીકલ આપ ને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરો ધન્યવાદ.